ઈડલી+ સંભાર અને ચટણી સાથે રેસીપી
ઈડલી સંભાર દક્ષિણ ભારતીય વાનગી છે. જે આજે સમગ્ર ભારતમાં લોકપ્રિય સ્વાદિષ્ટ પકવાન બની ગયું છે.આ વાનગી એ બાળકો માટે પૌષ્ટિક ,હળવી અને મનગમતી વાનગી છે. દાંત વગરના કે ઓછી ચાવવાની ક્ષમતા હોય તેવા વૃદ્ધો પણ આરામથી ખાઈ શકે છે. ફિટનેસ ચાહકો માટે હાઈ ફાઇબર,ઓઇલ ફ્રી, લો કેલરી વાનગી છે. આ વાનગી સવારના નાસ્તામાં, સંભાર સાથે બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં લઈ શકાય છે. આ વાનગી એ ચોખા અને અડદની દાળથી બનતી હોવાથી તે ખૂબ જ હલકી અને સરળ પણે પચી જાય છે. સંભારમાં તુવેરની દાળ અને શાકભાજી હોય છે જે શરીરને વિટામીન, મિનરલ અને પ્રોટીન આપે છે. આ વાનગીમાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી તે તળેલી વાનગીઓ કરતા વધુ આરોગ્યદાયક છે. આ વાનગી નું ખીરુ આથો લાવવાથી તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા વિકસે છે આ બેક્ટેરિયા પેટની તંદુરસ્તી જાળવે છે, પાચનશક્તિ સુધારે છે. ચોખામાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને દાળમાં પ્રોટીન હોય છે જે શરીરને ઊર્જા આપે છે. સંભારમાં સરગવો ,ગાજર ,બટાટા, દુધી, ટામેટા વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે તેથી તેમાંથી ફાઇબર, વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. તુવેરની દાળમાં પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત હોય છે જે શાકાહારી લોકો માટે ઉત્તમ છે. ઇડલી સંભાર માત્ર સ્વાદિષ્ટ ખોરાક જ નથી પણ એ હેલ્ધી ,પાચન ક્ષમ અને ઊર્જાવાન નાસ્તો છે જે દરેક ઘર માટે એક સંપૂર્ણ વિકલ્પ બની શકે છે.

ઈડલી બનાવવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
- પાકવાનો સમય:- 15 થી 20 મિનિટ
- કેટલી વ્યક્તિ માટે:-છ થી સાત વ્યક્તિ માટે
ઈડલી બનાવવા વપરાતી સામગ્રી:-
(1) ત્રણ કપ ચોખા
(2) એક કપ અડદની દાળ
(3) અડધો કપ દહીં
(4) એક ટીસ્પૂન સોડા
(5) બે ટેબલસ્પૂન તેલ
(6) મીઠું સ્વાદ પ્રમાણે

ઈડલી બનાવવાની રીત:-
(1) સૌપ્રથમ ઈડલી નું ખીરું તૈયાર કરવા માટે ત્રણ કપ ચોખા અને એક કપ અડદની દાળ ધોઈ રાત્રે પલાળી દેવી અને સવારે મિક્સરમાં ક્રશ કરી આ વાનગી નું ખીરું તૈયાર કરવું ખીરાને આથો લાવવા માટે મૂકી દો અને સાંજે આ વાનગી કરવી.
(2) જો ઈડલીના તૈયાર લોટ ની ઈડલી કરવી હોય તો હૂંફાળા ગરમ પાણીમાં થોડું મીઠું અને દહીં નાખીને સવારે લોટ પલાળવો અને સાંજે આ વાનગી કરવી.
(3) ઈડલી ઉતરતી વખતે તેલ અને જોઈતા પ્રમાણમાં પાણી અને સોડા નાખી માપસરનું ખીરું તૈયાર કરો.
(4) ઈડલીના વાસણમાં પ્રથમ તેલ લગાડી ઈડલીનું ખીરું પાથરી દેવું અને 15 થી 20 મિનિટ ઈડલી પકાવવા માટે મૂકો પછી એને ચમચીથી ઉખાડી દો.
(4) આ વાનગી તૈયાર છે તેને સંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવી.
સંભાર બનાવવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-દસ મિનિટ
- પાકવાનો સમય:-30 થી 35 મિનિટ
- કેટલી વ્યક્તિ માટે:-છ થી સાત વ્યક્તિ માટે
સંભાર બનાવવા માટે વપરાતી સામગ્રી:-
(1) બે કપ તુવેરની દાળ
(2) બે નંગ ડુંગળી , એક નંગ બટાકા
(3) બે ટી સ્પૂન આંબલીનું પાણી
(4) એક ટેબલ સ્પૂન ધાણાજીરું
((5) તેલ
(6) રાઈ અને જીરું
(7) ચાર આખા લાલ મરચાં
(8) ચપટી હિંગ અને મીઠો લીમડો
(9) અડધી ચમચી હળદર અને ચમચી મરચું
(10) એક ટીસ્પૂન ગરમ મસાલો
(11) બે ટી સ્પૂન સંભાર મસાલો
(12) એક ટીસ્પૂન વાટેલા આદુ મરચાં
(13) 1 ટેબલસ્પૂન ગોળ
(14) મીઠું સ્વાદ પ્રમાણે
(15) ઝીણી સમારેલી કોથમીર

સંભાર બનાવવાની રીત:-
(1) સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફવા માટે મૂકવી .બાફતી વખતે બટાટા અને ડુંગળી પણ ઉમેરી દેવા અને બ્લેન્ડર ફેવરી એક રસ દાળ તૈયાર કરવી (સંભારમાં રીંગણ, સરગવાની સિંગ, ટામેટા, સૂરણનો ટુકડો ,દુધીનો ટુકડો વગેરે બાફીને લઈ શકાય છે)
(2) સંભાર નો વઘાર કરવા માટે એક વાસણમાં તેલ લો તેમાં આખા લાલ મરચાં ,રાઈ ,જીરુ, લીમડો, લાલ મરચું અને હળદર નાખી વઘાર કરો પછી તેમાં ગરમ મસાલો અને સંભાર મસાલો નાખો.
(3) સંભાર ઉકાળતી વખતે આમલીનું પાણી અને ગોળ નાખી દો. પછી છેલ્લે ઝીણી સમારેલી કોથમીર નાખી “સ્વાદિષ્ટ પકવાન”
ઈડલીનો સંભાર તૈયાર છે. આ સંભાર ઢોસા સાથે પણ ખાઈ શકાય છે.
ટોપરાની ચટણી બનાવવા માટે વપરાતી સામગ્રી:-

(1) એક લીલુ નાળિયેર
(2) એક નંગ લીંબુ નો રસ
(3) બે ટી સ્પૂન ખાંડ
(4) ત્રણથી ચાર લીલા મરચાં
(5) અડધો કપ મોળું દહીં
(6) વઘાર કરવા માટે:-
તેલ , રાઈ,હિંગ અને મીઠો લીમડો
(7) મીઠું સ્વાદ પ્રમાણે
ટોપરાની ચટણી બનાવવાની રીત:-
(1) નાળિયેરને છીણી તૈયાર કરવું. પછી તેમાં મીઠું, લીંબુ, ખાંડ ,મરચાં નાખી બધા મિશ્રણને ક્રશ કરો.
(2) પછી તેમાં થોડું દહીં ભેળવી પાતળું મિશ્રણ તૈયાર કરવું.
(3) ગેસ પર એક વાસણમાં એક ટીસ્પૂન તેલમાં રાઈ, હિંગ, મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ઉપર રેડી દો. ટોપરાની ચટણી તૈયાર છે.