છોલે ભટુરે….. નામ જ એવું છે કે મોઢામાં પાણી આવી જાય ! પંજાબની શાન ગણાતી આ વાનગી આજે સમગ્ર ભારત ના રસોઈ પ્રેમીઓના દિલમાં વસેલી છે. મસાલેદાર છોલે અને જોડે ફુલેલા ભટુરા ની જોડી તમને એક સ્વાદ, તૃપ્તિ અને ઉર્જા આપે છે. તો આજે” સ્વાદિષ્ટ પકવાન “પર જાણીએ આ લાજવાબ વાનગી છોલેની વિશેષતા અને તેની આરોગ્ય ફાયદાઓ….
છોલે એટલે મસાલેદાર ચણાનું શાક… તીખા મીઠા પંજાબી મસાલા અને ટામેટાની ગ્રેવી માં બનાવવામાં આવે છે. તેમાં લસણ ,આદુ મરચા અને ગરમ મસાલો ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. છોલે ભટુરે ઘરમાં પણ બનાવી શકાય છે અને સ્ટ્રીટ ફૂડ તરીકે બહાર પણ ખાઈ શકાય છે. ભારતના મોટાભાગના શહેરોના સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં મળતું ભોજન છે. ગુજરાતમાં તો હોટલમાં તો મળે જ છે પણ લારી પર પણ છોલે ભટુરે આસાનીથી મળી જાય છે. છોલે ભટુરે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તે પેટ ભરાવનાર ભોજન છે. ભટુરે બનાવવા માં મેંદો અને દહીંથી બનતી એક તળેલી પુરી….. જેની કંચન જેવી બાહ્ય સપાટી અને અંદરથી નરમ તેને અલગ બનાવે છે. ભટુરે મેદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો તે વધારે હેલ્ધી બની જાય છે. આ વાનગી સાથે કચુંબર ,લચ્છી ,અથાણું વગેરે પણ લઈ શકાય છે જે ભોજનને સંપૂર્ણ ભોજન બનાવે છે.
છોલે એટલે કાબુલી ચણા…… કાબુલી ચણા શરીને જરૂરિયાત મુજબ પ્રોટીન આપે છે. ખાસ કરીને શાકાહારી લોકો માટે ઉત્તમ સ્ત્રોત છે. ચણામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનતંત્ર માટે લાભદાયક છે અને કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. ભટુરામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ તાત્કાલિક ઉર્જા આપે છે. તે દિવસની શરૂઆત માટે હેવી અને તૃપ્તિકારક નાસ્તો બની શકે છે . છોલે ભટુરે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ભટુરે તળેલું હોય છે જે વજન અને કોલેસ્ટ્રોલ પણ વધારવાનું કારણ બની શકે છે તેથી આ વાનગી નો આનંદ સંતુલિત માત્રામાં લેવો જોઈએ.
“સ્વાદિષ્ટ પકવાન” મા તમારુ સ્વાગત છે મીઠા અને મસલેદાર છોલે ભટુરે ની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ શેર કરી છે.

છોલે બનાવવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
- પાકવાનો સમય:-૨૦ થી ૩૦ મિનિટ
- કેટલી વ્યક્તિ માટે:-ત્રણ થી ચાર વ્યક્તિ માટે
છોલે બનાવવા માટે વપરાતી સામગ્રી:-
(1) એક કપ કાબુલી ચણા (બાફેલા)
(2) બે નંગ ક્રશ કરેલી ડુંગળી
(3) ત્રણ નંગ ક્રશ કરેલા ટામેટા
(4) એક ટેબલસ્પૂન લસણ અને આદુ ની પેસ્ટ
(5) ત્રણ થી ચાર ડાળી સાથે કોથમીર.(ટામેટાની ગ્રેવી માટે)
(6) હળદર, મીઠું ,મરચું
(7) બે ટેબલસ્પૂન છોલે નો મસાલો
(8) ચણા બાફતી વખતે ઉમેરવાના ગરમ મસાલા
એક તજનો ટુકડો
બે નંગ તમાલપત્ર
એક મોટી એલચી
ત્રણ નંગ લવિંગ
1 ટીસ્પૂન મરી
(9) કસૂરી મેથી
(10) કોથમીર ઝીણી સમારેલી અને સંચળ

છોલે બનાવવાની રીત:-
(1) એક કપ કાબુલી ચણા ધોઈને ચાર થી પાંચ કલાક હલકા ગરમ પાણીમાં પલાળી દેવા .ત્યારબાદ ચણા ને કૂકરમાં લઈ લેવા અને તેમાં મીઠું ,હળદર ,બટાકા ,તજનો ટુકડો ,બે નંગ તમાલપત્ર ,મોટી એલચી ,1 ટીસ્પૂન મરી ,ત્રણ લવિંગ અને પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો એક સીટી ફાસ્ટ ગેસ પર અને પાંચ સીટી મીડીયમ ગેસ પર કરી દો છોલે એકદમ સોફ્ટ થઈ જશે.
(2) છોલે નો વઘાર કરવા માટે…. ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ તેમાં અડધી ચમચી અજમો ,અડધી ચમચી હળદર, ચપટી હિંગ ઉમેરવું પછી તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ક્રશ કરીને ઉમેરવી. ડુંગળી નો કલર હલકો બ્રાઉન કલરનો થાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બે લીલા મરચા, અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ ટામેટા ની ગ્રેવી ઉમેરવી. (ટામેટા ની ગ્રેવી માટે ત્રણ ટામેટા અને લીલી કોથમીર ડાળી સાથે મિક્સરમાં ક્રશ કરી દેવા). ત્યારબાદ મીડીયમ ગેસ પર બધુ ધીમા તાપે સાંતળી દેવું.
(3) છોલેની ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેમાં મીઠું, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું , દોઢ ટેબલ સ્પૂન છોલે નો મસાલો ,એક ટેબલસ્પૂન ધાણા પાવડર નાખી મસાલા મિક્સ કરવા.
(4) ત્યારબાદ બાફેલા ચણા (પાણી સહિત) ઉમેરી દેવા અને સારી રીતે બધું મિક્સ કરી દેવું ત્યારબાદ કુકરમાં જે બટેટા બાફેલા હતા તે ચણામાં મસળીને નાખી દેવા જેનાથી છોલે નો રસો ઘટ્ટ થાય છે ,છોલે ઉકળીને તૈયાર થાય એટલે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી મસળીને નાખી દેવી.
(5) તેલ છૂટું પડે એટલે ઝીણી સમારેલી કોથમીર અને અડધી ચમચી સંચળ નાખી મિક્સ કરો ચટપટા છોલે તૈયાર છે…
ભટુરે (ઘઉંની પુરી) બનાવવા માટેની સામગ્રી:-

(1) ત્રણ કપ ઘઉંનો લોટ
(2) મીઠું સ્વાદ પ્રમાણે
(3) બે થી ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે
(4) 1 ટી સ્પૂન અજમો
ભટુરે (પુરી) નો લોટ બાંધવા માટે ની રીત:-
ત્રણ કપ ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, અજમો ,બે ટી સ્પૂન તેલ લઈ બધું મિક્સ કરી દો પછી થોડું થોડું પાણી ઉમેરીને રોટલીના લોટ કરતાં કઠણ લોટ તૈયાર કરો. પછી લોટને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દો .પૂરીનો લોટ તૈયાર છે.
ભટુરે (પુરી) બનાવવાની રીત:-
(1) સૌપ્રથમ લોટને થોડો મસળીને તેના નાની નાની રોટલી બને તેવા લુવા તૈયાર કરી દો.
(2) ત્યારબાદ પુરી નાની સાઈઝની રોટલી જેવી વણીને મીડીયમ થીક રાખો અને તેલમાં તળી દો.
(ભટુરે મેદાની જગ્યાએ ઘઉંના લોટના બનાવેલા છે જે વધારે હેલ્ધી છે.)