પાલક પનીર લોકપ્રિય અને પૌષ્ટિક ભારતીય શાકભાજી છે. પંજાબી પાલક પનીર અને સામાન્ય પાલક પનીરમાં તફાવત હોય છે. પંજાબી આ વાનગીમાં મસાલાનો ઉપયોગ વધુ અને મજબૂત હોય છે જ્યારે સામાન્ય પાલક પનીર માં મસાલા નો ઉપયોગ સામાન્ય હોય છે. પંજાબી આ વાનગી ની ગ્રેવી ભારે અને મલાઈદાર હોય છે જ્યારે સામાન્ય પાલકની ગ્રેવી ઓછી અથવા ડ્રાય હોય છે. પંજાબી આ વાનગી નો તડકો તીખો અને મસાલેદાર હોય છે જ્યારે સામાન્ય આ વાનગી નો તડકો સારો પણ હળવો હોય છે. પંજાબી પાલક આ વાનગી અથવા ક્રીમ નો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે જ્યારે સામાન્ય આ વાનગીમાં મલાઈ નો ઉપયોગ ઓછો થાય છે. પંજાબી આ વાનગી નો સ્વાદ ઊંડો તીખો હોય છે જ્યારે સામાન્ય આ વાનગી નો સ્વાદ નમ્ર અને હળવો હોય છે. આ શાક માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ ઘણા લાભ થાય છે.
પાલકની હળવી તીખાશ અને પનીરનો મલાઈદાર સ્વાદ એકસાથે ખૂબ જ સરસ લાગે છે. આ વાનગી નું શાક ઘરે સરળતાથી બનાવી શકાય તેવું શાક છે. પાલક અને પનીર બંને પોષક તત્વોથી ભરપૂર ભરેલું છે. શુદ્ધ શાકાહારી લોકો માટે યોગ્ય વાનગી છે. આ વાનગી નું શાક ભાત ,રોટલી ,નાન અથવા પરોઠા સાથે સરસ રીતે જમાય છે.
બપોરના ભોજનમાં આ વાનગી લેશો તો પાચન વધારે સારી રીતે થાય છે. છાશ અથવા દહીં સાથે લેશો તો શાક નું પાચન હળવું થાય છે. જૂનું પનીર ખાવાનું ટાળો હંમેશા તાજુ પનીર ખાવાનું આગ્રહ રાખો. તાજુ પનીર પચવામાં સહેલું અને પોષણયુક્ત હોય છે. બાળકો માટે પાલક ખૂબ હેલ્ધી ખોરાક છે જેથી પાલકને સારી રીતે મિક્સ કરીને બનાવી શકો છો જેથી તેમનામાં પૌષ્ટિકતા ની ઉણપ ન રહે.
આ વાનગી ના આરોગ્ય લક્ષી ઘણા ફાયદા છે. પાલકમાં વધારે માત્રામાં લોહ તત્વ હોય છે જે લોહીની ઉણપ માટે લાભદાયી છે. પનીર દૂધમાંથી બનતું હોવાથી તે ખૂબ જ સારો પ્રોટીનનો સ્ત્રોત છે. પ્રોટીન શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. પનીરમાં રહેલું કેલ્શિયમ હાડકા મજબૂત બનાવે છે. પાલકમાં વિટામીન એ, સી અને ઈ પણ હોય છે જે ચામડી અને દ્રષ્ટિ માટે લાભદાયક છે. પાલકમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદરૂપ થાય છે. પાલક એન્ટિઓક્સિડન્સ થી ભરપૂર હોય છે. પાલક અને પનીરનો યોગ્ય પ્રમાણમાં સેવન હ્રદય માટે સારું છે અને કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ કરે છે. પાલક વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પાલકમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે રક્ત દબાણ નિયંત્રણમાં રાખે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે.
આ વાનગીને વિવિધ રીતે તૈયાર કરી શકાય છે જેમ કે ક્રીમી પાલક પનીર, ડ્રાય , મેથી , પરાઠા વગેરે…. પંજાબી આ વાનગી માં ઘી અને માખણનો ઉપયોગ થાય છે જેને કારણે શાક વધુ મલાઈદાર અને ખુશ્બુદાર બને છે. પંજાબી આ વાનગીમાં ધાણાજીરું પાવડર ,ગરમ મસાલો ,લાલ મરચું ,હળદર ,બેસન અને કાજુની પેસ્ટ જેવા મસાલાનો સારો ઉપયોગ થાય છે. પાલકને બાફીને તેની પ્યુરી બનાવવામાં આવે છે અને તેમાં ક્રીમ અથવા દૂધ ઉમેરવામાં આવે છે જેથી ગ્રેવી મલાઈદાર બને છે. એક ખાસ તડકામાં લસણ ,જીરું ,લાલ સુકા મરચા અને ઘીનો વઘાર શાક ઉપર નાખવામાં આવે છે જેથી શાકનો સ્વાદ ઘણો વધી જાય છે.
“સ્વાદિષ્ટ પકવાન”માં પાલક પનીર ની રેસીપી શેર કરું છું……

પાલક પનીર બનાવવા માટે:-

- પૂર્વ તૈયારી નો સમય:-15 મિનિટ
- પાકવાનો સમય. :-20 થી 25 મિનિટ
- કેટલા લોકો માટે. :-ચાર લોકો માટે
પાલક પનીર બનાવવા માટે વપરાતી સામગ્રી:-
(1)400 ગ્રામ -પાલક
(2) 250 ગ્રામ-પનીર
(3) બે ટેબલસ્પૂન તેલ
(4) બે નંગ ટામેટા
( 5) બે નંગ ડુંગળી
(6) છ થી સાત કળી લસણ
(7) એક ઇંચ આદુનો ટુકડો
(8) બે થી ત્રણ નંગ લીલા મરચાં
(9) બે ટી સ્પૂન જીરું
(10) બે નંગ લવિંગ
(11) એક નંગ તમાલપત્ર
(12) એક ટેબલસ્પૂન કસૂરી મેથી
(13) એક ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો
(14) મીઠું સ્વાદ પ્રમાણે
(15) એક થી બે ટેબલસ્પૂન મલાઈ અથવા ફ્રેશ ક્રીમ
(16) બે ટેબલસ્પૂન દહીં
(17) કોથમીર ઝીણી સમારેલી
(18) બે ટી સ્પૂન ઘી
(19) ચપટી હિંગ
(20) એક ટીસ્પૂન લાલ મરચું

પાલક પનીર બનાવવાની રીત:

(1) પાલક ને ધોઈ (બે થી ત્રણ વાર ધોવી) ને ત્રણ કપ ગરમ પાણીમાં પાલકને ઉમેરવી. પછી તેમાં આઠ થી નવ કાજુ, બે ટામેટા ,બે નાની ડુંગળી, સાત થી આઠ લસણની કળી, એક ઇંચ આદુનો ટુકડો અને બે થી ત્રણ લીલા મરચા (તીખાશ હોય તે પ્રમાણે નાખવા) ઉમેરવા.
(2) ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ હાઈ ફ્લેમ પર થવા દેવું. ત્યારબાદ તેમાંથી પાલક અને લીલા મરચા ને નીકાળીને ઠંડા પાણીમાં ઉમેરી દેવા. (ઠંડા પાણીમાં ઉમેરવાથી પાલક નો કલર જળવાઈ રહે છે) બીજી સામગ્રીને બે થી ત્રણ મિનિટ હાઈ ફ્લેમ પર બાફી દેવું. ત્યારબાદ તેને પણ એક વાસણમાં લઈ લેવું.(ટામેટાની છાલ ઉપરથી નીકળે તેટલું બાફી દેવું)
(3) ત્યારબાદ પાલક ને ઠંડા પાણી માંથી નિતારી મિક્સર જારમાં લઈ તેની પ્યુરી તૈયાર કરવી. ત્યારબાદ બીજી સામગ્રીની પણ કકરી પેસ્ટ કરી દેવી. (પેસ્ટ કરતા પહેલા ટામેટાની છાલ નીકાળી દેવી)
(4) ત્યારબાદ એક જાડા તળિયાવાળા વાસણમાં એક ટેબલસ્પૂન તેલ લઈ તેમાં પનીરના ટુકડા ઉમેરવા. મીડિયમ ગેસ પર પનીર બધી સાઈડ માંથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતરો .પનીર સંતળાઈ જાય એટલે એક વાસણમાં કાઢી દો અને તેના ઉપર હલકું ગરમ પાણી રેડી દો.( હલકુ ગરમ પાણી રેડવાથી પનીર કડક થતું નથી .કાચું પનીર પણ ઉમેરી શકાય છે પનીર સાંતળવું ફરજિયાત નથી)
(5) એ જ વાસણમાં (જરૂર લાગે તો થોડું તેલ કે ઘી લો) જીરુ,તમાલપત્ર ,તજનો ટુકડો ,લવિંગ નાખી વઘાર તૈયાર કરો. ત્યારબાદ ડુંગળી -ટામેટા વાળી કકરી પેસ્ટ ઉમેરો. આ પેસ્ટને મીડીયમ ગેસ પર પાંચ મિનિટ સાંતળો .ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો (ગરમ મસાલો જે હાજરમાં હોય તે લઈ શકાય )કસૂરી મેથી ,સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.. ત્યારબાદ પાલક ની પ્યુરી ઉમેરવી અને બરાબર મિક્સ કરી દેવું. પાલકની ગ્રેવી લગભગ પાંચથી સાત મિનિટ ગેસ પર રાખો અને ગ્રેવી થોડી થીક થવા દો પછી તેમાં તૈયાર કરેલા પનીરના ટુકડા ઉમેરો.
(6) હવે તેમાં એક ટેબલ સ્પૂન દૂધની મલાઈ ઉમેરો. (વધુ ભાવે તો વધુ ઉમેરી શકાય છે) પછી તેમાં મોળું દહીં બે ટેબલ સ્પુન ઉમેરો. ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ બધું સરસ રીતે મિક્સ થવા દો અને ઉપરથી કોથમીર પણ એડ કરી દો( જરૂર લાગે તો ટેસ્ટ કરીને મીઠું ઉમેરી શકો છો)
(7) ઉપરથી વઘાર કરવા( ધાબા સ્ટાઈલ બનાવવા માટે) એક વાસણમાં બે ટીસ્પૂન ઘી ગરમ કરો તેમાં બે ટી સ્પૂન ઝીણું સમારેલું લસણ ,જીરું, હિંગ નાખી વઘાર તૈયાર કરો. થોડો વઘાર ઠંડો થાય પછી લાલ મરચું ઉમેરી દો.(તીખું જેટલું જોઈએ તેટલો લાલ મરચું ઉમેરવું)
(8) એક સર્વિંગ બાઉલમાં પાલક પનીર નું શાક લઈ લો ત્યારબાદ તેમાં ઉપર તૈયાર કરેલો વઘાર ઉમેરો અને થોડી મલાઈ ઉપરથી નાખો.” સ્વાદિષ્ટ પકવાન “માં પાલક પનીર નું શાક તૈયાર છે…..
***પાલક પનીર નું શાક નાન ,પરાઠા, રોટલી ,પૂરી ,ભાત સાથે ખાઈ શકાય છે. ભાત સાથે ખાવાનું હોય તો ગ્રેવી પતલી રાખવી.