સ્વાદિસ્ટ પકવાન(કુકરમાં રેસીપી)
પાવભાજી 1850 ના દાયકા માં મુંબઈ થી ફેમસ થયેલી વાનગી છે. અત્યારે હાલ તે દરેક ખૂણે ,હોટલોમાં અને ઘરેલુ રસોડા માં લોકપ્રિય વાનગી છે. પાવભાજી વિવિધ પ્રકારે બનાવવામાં આવે છે જેમ કે જૈન ભાજી ,ચીઝ ભાજી ,કાઠીયાવાડી પાવભાજી ,પનીર ભાજી ,ખાટી મીઠી ભાજી વગેરે રીતે બનાવી શકાય છે. ભાજી હાલ દરેક જગ્યાએ સ્ટ્રીટ ફૂડ કલ્ચરને દર્શાવે છે. ભાજી માં વપરાતા શાકભાજી જેવા કે બટાકા ,ફુલેવર, ટામેટા ,સીમલા મરચા ,વટાણા જેવા શાકભાજી પોષક તત્વો અને ફાઈબર થી ભરપૂર હોય છે. પાવ અને બટાકા માં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ ઉર્જા આપે છે. ભાજીમાં વપરાતા ટામેટા, લસણ ,આદુ સીમલા મરચા એ એક એન્ટી ઓક્સીડન્ટ ના સ્ત્રોત છે જે તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ભાજી ઝડપથી બની જાય છે અને સ્વાદ માં ખૂબ સારી લાગે છે એટલે એક સંતોષકારક ભોજન લઈ શકાય. પાવભાજી વિવિધ શાકભાજી અને ખાસ કરીને “ભાજી મસાલા “સાથે બનેલી ભાજી ખૂબ જ ચટપટી અને સ્વાદિસ્ટ પકવાન હોય છે. પાવ ની જગ્યા એ રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકાય છે. આજે હું તમારી સાથે ભાજી ની ભાજી ની રેસીપી શેર કરું છું.

પાવભાજી રેસીપી તૈયાર કરવા માટે પૂર્વ તૈયારી:-

- પૂર્વ તૈયારી નો સમય:-10 મિનિટ
- પાકવાનો સમય:-15 થી 20 મિનિટ
- કેટલી વ્યક્તિ માટે:-ચાર વ્યક્તિ માટે
.
પાવભાજી રેસીપી તૈયાર કરવાની સામગ્રી:-
1) ત્રણ મીડિયમ સાઇઝના બટાકા
(2) ત્રણ મીડીયમ ટામેટા
(3) અડધો કપ લીલા વટાણા , એક કપ ફુલેવર
(4) અડધો કપ ફણસી (ફરજિયાત નથી)
(5) બે નંગ ડુંગળી
(6) દોઢ ટેબલ સ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ
(7) ચાર ટેબલ સ્પૂન તેલ
(8) ચાર ટેબલ સ્પૂન બટર
(9) 1 ટીસ્પૂન જીરું અને ચપટી હિંગ
(10) દોઢ ટેબલસ્પૂન પાવભાજીનો મસાલો
(11) બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
(12) સ્વાદ પ્રમાણે મીઠું
(13) બે ટી સ્પૂન કસૂરી મેથી
(14) સર્વ કરવા માટે ડુંગળી, બટર , પાવ

સ્વાદિસ્ટ પકવાન પાવભાજી બનાવવાની રીત:-
સૌપ્રથમ કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી 1 ટીસ્પૂન જીરુ ,ચપટી હિંગ , જેની ક્રશ કરેલી ડુંગળી નાખી થોડીવાર ડુંગળીને સાંતળી લેવી. ડુંગળી સંતળાઈ જાય ત્યાં સુધીમાં બે લીલા મરચા 12 નંગ લસણ કળી ,અને એક ઇંચ આદુના ટુકડા ની પેસ્ટ તૈયાર કરી લેવી. પછી ડુંગળી સંતળાઈ જાય એટલે પેસ્ટ ઉમેરી દેવી. પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા ક્રશ કરીને ઉમેરવા. તેલ છૂટું પડવા માંડે પછી તેમાં મીઠું, હળદર ,કાશ્મીરી લાલ મરચું ,ભાજી નો મસાલો નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં એક ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરવું (આ રીતે બટર ઉમેરવાથી ભાજી નો ટેસ્ટ સારો આવે છે). પછી તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા સમારેલા, એક કપ ફુલેવર ના ટુકડા, અડધો કપ ફણસી (ફરજિયાત નથી), અડધો કપ લીલા વટાણા ( ફ્રોજન વટાણા પણ ચાલે), નાનુ કેપ્સીકમ ચોપ કરીને ઉમેરવું. પછી તેમાં દોઢથી બે કપ ઉકળતું ગરમ પાણી ઉમેરવું. બધું બરોબર મિક્સ કરીને કુકર બંધ કરી દેવું અને ચારથી પાંચ સીટી વગાડી લેવી. કુકર ઠંડુ થાય એટલે તેને ખોલીને મેસર ની મદદથી બધું બરોબર મિક્સ કરી લેવું.( જો ભાજી વધારે પડતી જાડી લાગે તો તેમાં જરૂર મુજબ થોડું ગરમ પાણી ઉમેરીને ભાજીને પતલી કરી શકાય છે.)
ભાજી ઉપરથી વઘાર કરવા માટે ની રીત:-
એક વઘારીયામાં અડધો ટેબલ સ્પૂન બટર ,અડધો ટેબલ સ્પૂન તેલ, બે ટીસ્પૂન કસૂરી મેથી ,બે ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, ૨ ટી.સ્પૂન પાવભાજી મસાલો ,નાખી ગેસ બંધ કરી લેવું. પછી ઉપરથી વઘાર ઉમેરી મિક્સ કરી ઉપરથી કોથમીર લીંબુનો રસ નાખી દઈશું અને પછી ગેસ બંધ કરી સર્વ કરો. પાવભાજી ની ભાજી તૈયાર છે.
પાઉં શેકવા માટે:-
એક નોનસ્ટિકની તવી મા થોડું બટર લઈ તેમાં ચપટી મરચું ,ચપટી પાઉંભાજીનો મસાલો ,થોડી કોથમીર ,નાખી પાવને ઉપરથી વચ્ચેથી બધી બાજુએથી શેકીને પાઉં તૈયાર કરવા
પાવભાજી નો મસાલો બનાવવાની રીત
પાવભાજી નો મસાલો બનાવવાની સામગ્રી:-
મસાલો બનાવવાની રીત
(1) 25 ગ્રામ આખા ધાણા
(2) 12 નંગ સૂકા લાલ મરચા
(3) 15 નંગ લવિંગ
(4) 20 નંગ કાળા મરી
(5) 10 ગ્રામ આખું જીરું
(6) 10 ગ્રામ લીલી વરિયાળી
(7) દોઢ ઇંચ તજનો ટુકડો
(8) ત્રણ નંગ ઈલાયચીના દાણા
(9) એક ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
(10) એક ટેબલસ્પૂન આમચૂર પાવડર
સૌપ્રથમ એક જાડા તળિયા વાળું વાસણ લો. પછી તેમાં 25 ગ્રામ આખા ધાણા, 12 નંગ સૂકા લાલ મરચા (ડીટીયા અને બી કાઢીને લેવા), 15 નંગ લવિંગ, 20 નંગ કાળા મરી, 10 ગ્રામ આખું જીરું, 10 ગ્રામ વરીયાળી, દોઢ ઇંચ તજનો ટુકડો અને ત્રણ નંગ ઈલાયચીના દાણા લેવા. આ બધા મસાલા મીડીયમ ગેસ પર શેકી લેવા (મસાલા શેકવાથી તેમાં ભેજનો ભાગ રહેતો નથી અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે). પાંચથી સાત મિનિટમાં મસાલો શેકાઈ જશે. મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં બધા મસાલા લેવા અને તેમાં એક ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલસ્પૂન આમચૂર પાવડર નાખી મસાલા ને ક્રશ કરો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સુધી સાચવી શકાય છે. આ મસાલો નાખીને પાવભાજી બનાવવાથી સ્વાદિષ્ટ પકવાન તૈયાર થાય છે.