ફ્રાઇડ રાઈસ એ એક ચાઈનીઝ વાનગી છે. આ એક એવી વાનગી છે જે સાદા ભાત ને એક નવી ઓળખ આપે છે. ચાઈનીઝ સ્ટાઇલમાં તળેલી ફ્રાઈડ રાઈસમાં શાકભાજી ,સોયા સોસ અને મસાલા ઉમેરવામાં આવે છે. ઘણા લોકો પનીર અને ઈંડા જેવી વસ્તુઓ ઉમેરી ને પણ બનાવે છે.
ફ્રાઈડ રાઈસ માત્ર સ્વાદિષ્ટ નથી પણ પોષક તત્વો થી ભરપૂર વાનગી છે. તેમાં ઉમેરતી વિવિધ શાકભાજીઓ જેમકે ગાજર ,કેપ્સીકમ , અને ફણસી માં રહેલા વિટામિન એ,સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે ત્વચા ,દ્રષ્ટિ અને હાડકા માટે પણ હિતાવહ છે. જોફ્રાઈડ રાઈસ માં તેલ ની યોગ્ય માત્રા સાથે બને તો હળવા અને પૌષ્ટિક ભોજન તરીકે ઉપયોગ માં આવી શકે છે. વધેલા સાદા ભાતનો યોગ્ય રીતે ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બનાવવા થી ફૂડ વેસ્ટેજ પણ રોકી શકાય છે. નાના બાળકો અને યુવાનો માટે તદ્દન પચી જાય એવી વાનગી છે. જેને ટિફિન માટે પણ પરફેક્ટ માની શકાય છે.
આ વાનગી ની ઘણી વિશેષતાઓ જોવા મળે છે. ફ્રાઇડ રાઈસ એ એવી વાનગી છે જેમાં ચાઈનીઝ સ્વાદ અને ભારતીય રસોઈ નું સુંદર મિશ્રણ જોવા મળે છે. ફ્રાઈડ રાઈસ ઝડપથી બની જાય છે. આ વાનગી શાકભાજી થી ભરપુર, સોયા સોસ અને મસાલા નો વપરાશ ભાત સાથે ભળી ને એક વિશિષ્ટ સ્વાદ આપે છે, જે દરેક ઉંમર ના લોકો ને પસંદ આવે છે. આ વાનગીને મંચુરિયન ,ચીલી પનીર કે સાદા કાઠીયાવાડી શાક સાથે પણ સર્વ કરી શકાય છે. તેની સુંદર રજૂઆત રંગીન શાકભાજી અને મજેદાર સુગંધ તેને પાર્ટી ડીશ તરીકે પણ લોકપ્રિય બનાવે છે.
આ વાનગીનો ખુશ્બુદાર સ્વાદ શાકભાજી થી ભરપૂર અને તળેલા ભાતની ખાસ બનાવટ મોઢામાં પાણી લાવે એવા અનુભવ આપે છે, બાળકો થી લઇ મોટા સુધી દરેક નું મન જીતી લેતી આ વાનગી” સ્વાદિષ્ટ પકવાન”માં ચોક્કસ સ્થાન પામે એવી છે….

***ફ્રાઇડ રાઈસ બનાવવા માટે:-

પૂર્વ તૈયારી નો સમય:-5 થી 10 મિનિટ
પાકવાનો સમય:- 15 થી 20 મિનિટ
કેટલા લોકો માટે:- પાંચ થી છ વ્યક્તિ માટે
***ફ્રાઇડ રાઈસ બનાવવા માટે વપરાતી સામગ્રી:-
(1) 500 ગ્રામ ચોખા
(2) એક ટેબલસ્પૂન તેલ
(3) ચપટી સાજી ના ફૂલ
(4) 100 ગ્રામ ફણસી
(5) 2 – નંગ ઝીણી સમારેલી સુકી ડુંગળી
(6) 100 ગ્રામ ગાજર
(7) ત્રણ લીલી ડુંગળી
(8) ચપટી આજીનો મોટો
(9) એક નંગ કેપ્સીકમ
(ગાજર અને કેપ્સીકમ લાંબા કાપવા. લીલી ડુંગળી અને
ફણસી ઝીણી કાપવી)
(10) ત્રણ ટેબલસ્પૂન સોયા સોસ
(11) અડધી ચમચી મરીનો ભૂકો
(12) એક ટીસ્પૂન વિનેગર
(13) મીઠું સ્વાદ અનુસાર

***ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત:-

(1) સૌ પ્રથમ ચોખા ને સારી રીતે ધોઈ ને બે કલાક પાણી માં
રહેવા દો.
(2) ત્યારબાદ એક વાસણમાં ગરમ પાણી મૂકો. પાણી ઉકળે એટલે તેમાં બે કલાક પલાળેલા ચોખા નાખવા. અને તેમાં તેલ અને મીઠું નાખવું સહેજ કાચા હોય ત્યારે ચારણીમાં કાઢી નાખવા.
(3) એક વાસણમાં પાણી લઈ તેમાં મીઠું અને સાજીના ફૂલ નાખવા અને ફણસી બાફી દેવી.
(4) ત્યારબાદ એક વાસણમાં થોડું તેલ લઈ આકરા તાપે ગરમ કરવું તેમાં સૂકી ડુંગળી નાખી લાલ થાય ત્યાં સુધી સાંતળવી. પછી તેમાં ગાજર, લીલી ડુંગળી, કેપ્સીકમ ,ફણસી , મીઠું અને આજીનોમોટો ઉમેરો. (આજીનો મોટો નાખવાથી શાક જલ્દી ચડી જશે)
(5) શાક ચડી જાય એટલે તેમાં સોયા સોસ, મરીનો ભૂકો અને વિનેગર નાખવા.
(6) હવે તેમાં બાફેલા તૈયાર ચોખા ઉમેરવા અને બરાબર બધું મિક્સ કરી દેવું . અને લીલી ડુંગળી ઝીણી સમારી ઉપર નાખી પીરસવું.
***રાઈસ વધારે બ્રાઉન કરવા હોય તો સોયા સોસ વધારે નાખવું.