રાજમાં એટલે માત્ર એક દાળ નહીં- એ છે ભારતના ઘર ઘરના રસોડાનું હિતેચ્છુક મેમ્બર. પંજાબી રાજમાં -ચોખાનું નામ તો દરેક જણ એ સાંભળ્યું હશે પણ ગુજરાતમાં પણ રાજમા ની ખૂબ અલગ ઓળખ છે. ખાસ કરીને શિયાળામાં…. શાકાહારી લોકોના ભોજન માં તેનો ઉપયોગ વધે છે. રાજમા નું શાક સ્વાદ ,સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનું પરિપક્વ મિશ્રણ છે. પંજાબીઓના ઘરોમાં રાજમાનું શાક ખૂબ મસાલા સાથે બનાવવામાં આવે છે તેમાં રેડ ગ્રેવી બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જે બહુ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે ગુજરાતી ઘરોમાં રાજમાનું શાક સામાન્ય રીતે ઓછા મસાલામાં અને વધુ સ્વાદ સાથે બનાવાય છે.
રાજમાં એ પોષક તત્વોથી ભરેલો ખોરાક છે. રાજમાં પ્રોટીનથી ભરપૂર હોય છે જેથી કરીને શાકાહારી લોકો માટે ખૂબ ફાયદાકારક છે. રાજમા ની અંદર ફાઇબર નું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે પાચનશક્તિ સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. રાજમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જેને કારણે હૃદયની તંદુરસ્તી જળવાય છે. રાજમા માં લોહ તત્વ હોય છે જે હિમોગ્લોબિન વધારવા માટે અને થાક દૂર કરવા માટે લાભદાયી છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્સ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરી રક્ત શુદ્ધિમાં મદદરૂપ થાય છે. ડાયાબિટીસ માટે ફાયદાકારક છે કેમ કે તેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેને કારણે બ્લડ સુગરનું સ્તર ધીમે ધીમે વધે છે.
રાજમા નું શાક સરળ અને પોષક ભર્યું ભોજન છે જે ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. રાજમા મસાલા અન્ય દાળ કે શાકથી સ્વાદમાં અલગ લાગે છે.”રાજમા -ચોખા”એ એક લોકપ્રિય અને સુપરહિટ કોમ્બિનેશન છે. રાજમાને ઘણા પ્રકારથી બનાવી શકાય છે જેમ કે પંજાબી શૈલી ,સાદી ગુજરાતી શૈલી કે દક્ષિણ ભારતીય રીતે… રાજમાનું શાક સારી રીતે સ્ટોર કરીએ તો બેથી ત્રણ દિવસ સુધી તાજું રહી શકે છે. રાજમાના શાકમાં તેની મસાલેદાર ગ્રેવી ની ખાસ વિશેષતા છે. રાજમાનું શાક ભાત સાથે ,ભાખરી સાથે ,પરોઠા સાથે , નાન સાથે ખાઈ શકાય છે. રાજમાની અલગ અલગ વાનગીઓ પણ બને છે જેમ કે રાજમાં પરાઠા, રાજમા કટલેસમાં , રાજમાં સુપ, રાજમા સલાડ વગેરે…
જ્યારે પેટમાં ગેસ કે અપચો હોય ત્યારે રાજમા ના ખાવા જોઈએ. બાળકો માટે છીણેલા રાજમાનો ઉપયોગ કરો. વધુ પૌષ્ટિક બનાવવા માટે ઘીનો ઉપયોગ કરો. તો આજે” સ્વાદિષ્ટ પકવાન”માં રાજમાની રેસીપી શેર કરું છું…

***રાજમા બનાવવા માટે:-

પૂર્વ તૈયારી નો સમય:-10 થી 15 મિનિટ
પાકવાનો સમય. :-20 થી 25 મિનિટ
કેટલા લોકો માટે. :-ચારથી પાંચ વ્યક્તિ માટે
***રાજમા મસાલા બનાવવામાં વપરાતી સામગ્રી:-
(1) રાજમાં એક કપ (150 ગ્રામ )
(સાત થી આઠ કલાક પલાળેલા)
(2) પાણી બે કપ
(3) મીઠું 1 ટીસ્પૂન
(4) બેકિંગ સોડા અડધી ચમચી
(5) તેલ -બે થી ત્રણ ટેબલ સ્પૂન
(6) જીરુ -અડધી ચમચી
(7) હિંગ- ચપટી
(8) હળદર- એક ચમચી
(9)ધાણાજીરૂ પાવડર- બે ટીસ્પૂન
(10) કસૂરી મેથી -એક ટેબલ સ્પૂન
(11) ડુંગળી -બે નંગ (પેસ્ટ કરેલી)
(13) ટામેટા -ત્રણ નંગ
(14) આદુનો ટુકડો -એક ઇંચ
(15) લીલા મરચા- ત્રણ નંગ
(16) પાંચ થી છ લસણની કળી
(17) લાલ મરચું પાવડર- બે ટીસ્પૂન
(18) મેગી મસાલો એક પાઉચ (મેજિક મસાલા તરીકે ઉપયોગ થશે)

**રાજમા મસાલા બનાવવાની રીત:-

(1) સૌપ્રથમ રાજમાને ધોઈને તેને સાતથી આઠ કલાક પલાળી રાખો. ત્યારબાદ પ્રેશર કુકરમાં બે કપ પાણી નાખીને રાજમાને બાફવા મૂકી દો .બાફતી વખતે તેમાં મીઠું અને અડધી ચમચી બેકિંગ સોડા નાખવા. એક સીટી ફુલ ગેસ પર પછી ધીમા ગેસ પર સાતેક મિનિટ રહેવા દો .રાજમાં બફાઈને તૈયાર થઈ જશે.
(2) ત્યારબાદ એક કઢાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં ચપટી હિંગ ,અડધી ચમચી જીરૂ ,અડધી ચમચી હળદર ,બે ચમચી ધાણા પાવડર અને એક ટેબલસ્પૂન કસુરી મેથી નાખી મસાલા મિક્સ કરો.
(3) ત્યારબાદ ડુંગળીની પેસ્ટ ઉમેરો. ડુંગળી સંતળાઈ જાય તેમાંથી તેલ છૂટું પડે એટલે ટામેટાની ગ્રેવી ઉમેરો (ટામેટાની ગ્રેવી માટે ત્રણ ટામેટા ,ત્રણ લીલા મરચા ,એક ઇંચ આદુનો ટુકડો, છ લસણ ની કળી ઉમેરીને ગ્રેવી તૈયાર કરો )
(4) મસાલામાંથી તેલ છૂટું પડે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરો.
(5) ત્યારબાદ બાફેલા રાજમાં (પાણી સાથે) ઉમેરો અને તેની પાંચથી છ મિનિટ ગેસ પર થવા દો .
(6) ત્યારબાદ મેગી મસાલા નું એક પેકેટ ઉમેરો. મેગી મસાલો ઉમેરવાથી રાજમાનો સ્વાદ એકદમ મસ્ત આવે છે. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર નાખી રાજમાં તૈયાર કરો.
“સ્વાદિષ્ટ પકવાન”માં રાજમાની રેસીપી તૈયાર છે રાજમા મસાલા તમે ભાત ,રોટલી, પરાઠા નાન ગમે તે જોડે ખાઈ શકાય છે જોડે છાશ પણ લઈ શકાય છે.