સેઝવાન નૂડલ્સ એ ચાઈનીઝ નુડલ્સ અને ઇન્ડિયન મસાલા નું પરફેક્ટ કોમ્બિનેશન… સેઝવાન સોસ ના ઉપયોગ થી વધુ સ્વાદિષ્ટ બની જાય છે. સેજવાન નુડલ્સ એ એશિયન ફ્યુઝન ફૂડનો એક એવી વાનગી છે, જે ભારત માં ખાસ કરી ને યંગ જનરેશન માં ખૂબ લોકપ્રિય છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ જેવા કે સીમલા મરચા, કોબીજ ,ગાજર અને લીલી ડુંગળી નું મિશ્રણ હોય છે જે માત્ર ટેસ્ટ જ નહીં પોષણ પણ આપે છે.
સેજવાન નુડલ્સ માં ઉપયોગ થતો લાલ સેઝવાન સોસ લસણ, લાલ મરચા અને ખાટા મીઠા તત્વો થી ભરપૂર હોય છે. જે તેને એક અનોખો સ્વાદ આપે છે. સેજવાન નુડલ્સ સ્ટ્રીટ ફૂડ તરીકે , પાર્ટી ડીસ તરીકે પીરસી શકાય છે. સેજવાન નુડલ્સ ઝડપથી બની જાય છે અને દરેક વયના લોકોને ભાવતી હોય છે.
સેજવાન નુડલ્સ થોડા જ સમય માં તૈયાર થઈ જાય છે એટલે વ્યસ્ત જીવનશૈલી માં પણ ટેસ્ટી ખાવાનું બનાવી શકાય છે.
આ વાનગીમાં ઉમેરાતા શાકભાજી માં આયન ,ફાઈબર ,વિટામિન એ અને સી જેવા વિટામિન પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ વાનગી શાકાહારી અને નોનવેજ બંને રીતે બનાવી શકાય છે. આ વાનગી નો સ્વાદ તીખો અને મસાલેદાર હોવાથી બાળકો અને યુવાનો માટે ખૂબ જ ફેવરિટ બની જાય છે.
આ વાનગી ની વિશેષતાઓ પણ જોઈએ તો….. લસણ અને લાલ મરચા થી બનેલું સેજવાન સોસ તેનો મુખ્ય હીરો, છે જે એને ખાસ સ્વાદ આપે છે. ચાઈનીઝ નુડલ્સ અને ઇન્ડિયન મસાલાનું મિક્સ એને ફ્યુઝન ડીશ બનાવે છે. આ વાનગી સ્ટ્રીટ ફૂડ થી લઈને રેસ્ટોરન્ટ લેવલ સુધી લોકપ્રિય છે. તે દરેક જગ્યા એ પ્રેમથી ખાવામાં આવે છે. આ વાનગી નો ટેસ્ટ વધારે તીખા કે ઓછા મસાલામા બનાવી શકાય છે. ઘરમાં બનાવતી વખતે તમારા સ્વાદ પ્રમાણે તેને વધારે કે ઓછી મસાલાવાળી બનાવી શકાય છે.
જો તમે ટેસ્ટી અને ફટાફટ બનતી વાનગી શોધી રહ્યા છો તો સેજવાન નુડલ્સ એ પરફેક્ટ વિકલ્પ છે.”સ્વાદિષ્ટ પકવાન”માટે આ નુડલ્સ નું વર્ણન એક તીખા અને રંગીન રસોઈ ના પ્રવાસ જેવી અનુભૂતિ કરાવે છે.

***સેઝવાન નુડલ્સ બનાવવા માટે:-

પૂર્વ તૈયારી નો સમય:-15 મિનિટ
પાકવાનો સમય:- 30 મિનિટ
કેટલા લોકો માટે:- ચાર થી પાંચ વ્યક્તિ માટે
***સેજવાન નુડલ્સ બનાવવા માટેની સામગ્રી:-
(1)200 ગ્રામ નુડલ્સ
(2) પાણી
(3) 2 -ટી સ્પૂન તેલ
(4) 1- ટીસ્પૂન લસણ ઝીણું સમારેલું
(5)1-ટી સ્પૂન આદુ ઝીણું સમારેલું
(6)1- કપ ગાજર
(7)1- કપ લીલા કેપ્સિકમ
(8)1 – કપ લાલ કેપ્સિકમ
(9)1 – કપ કોબીજ
(10)1- કપ મશરૂમ (ફરજિયાત નથી)
(11) મીઠું સ્વાદ પ્રમાણે
(12)1-ચમચી કાળા મરી નો પાવડર
(13)1- ટી સ્પૂન સોયા સોસ
(14) 3 -ટેબલ સ્પૂન સેજવાન સોસ
(15) લીલી ડુંગળી

***સેજવાન નુડલ્સ બનાવવાની રીત:

૧. નૂડલ્સ ને ઉકળતા પાણી માં ૫-૭ મિનિટ સુધી રાંધો અને તેને ગાળી લો. નૂડલ્સને એકબીજા સાથે ચોંટી ન જાય તે માટે ઠંડા પાણીમાં પલાળો. નૂડલ્સ ને બાજુ પર રાખો.
૨. એક પહોળી કડાઈ લો અને તેલ ઉમેરો. તેને ગરમ કરો.
૩. સમારેલું લસણ, આદુ ઉમેરો અને સાંતળો. કાપેલી ડુંગળી ઉમેરો અને ૩૦ સેકન્ડ માટે સાંતળો.
૪. મધ્યમ આંચ પર રાખો. તેમાં ગાજર, લીલું કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, સમારેલી કોબી, કાપેલા મશરૂમના જુલીએન ઉમેરો અને ૧-૨ મિનિટ માટે સાંતળો.
૫. મીઠું, કાળા મરી પાવડર, સોયા સોસ, શેઝવાન સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
૬. આંચ મધ્યમ આંચ પર રાખો અને રાંધેલા નૂડલ્સ ઉમેરો. શાકભાજી અને ચટણીઓ સાથે સારી રીતે મિક્સ કરો.
૭. નૂડલ્સ સારી રીતે કોટ થઈ ગયા પછી, બારીક સમારેલી લીલી ડુંગળી ઉમેરો.
૮. સ્વાદિષ્ટ શેઝવાન નૂડલ્સ ગરમ અને સરસ પીરસવા માટે તૈયાર છે.
***સેઝવાન નુડલ્સ બનાવવા માટે સેઝવાન સોસ ની ફરજિયાત જરૂર પડે છે તો સેજવાન સોસ ની રેસિપી નીચે મુજબ છે.
***સેઝવાન સોસ બનાવવા માટેની સામગ્રી:-
(1) કાશ્મીરી લાલ મરચું – કશ્મીરી લાલ મરચા,15 નંગ (15 ગ્રામ) બંનેમાંથી એક લેવું
(2) લાલ મરચું – લાલ મરચા, 20 નંગ (5 ગ્રામ,) બંનેમાંથી એક લેવું
(3) પાણી – 3/4 કપ
(4) આદુ — 2 ઇંચ જેટલો ટુકડો
(5) તેલ – 1/4 કપ
(6) કાળી મરી – 1/2 ટીસ્પૂન. ( અધકચરા વાટેલા)
(7) ઓરેગાનો – 1/2 ચમચી (ફરજિયાત નથી)
(8)2 ચમચી કોથમીર ની ડાળી (સમારેલી)
(9) મીઠું – 1 ચમચી
(10) ખાંડ – 2 ચમચી
(11) સોયા સોસ – 1/2 ચમચી
(12) ટમાટર સોસ – 2 ચમચી
(13) વિનેગર – 2 ચમચી

***સેઝવાન સોસ બનાવવાની રીત:-

(1)15 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં અને 5 ગ્રામ સૂકા લાલ મરચાં લો.
(2) એક વાસણમાં 3/4 કપ પાણી લો અને તેને ઉકાળો.
(3) પાણી માં બંને મરચાં ઉમેરો, વાસણને ઢાંકી દો અને ૨૦ મિનિટ માટે રહેવા દો.
(4) 20 મિનિટ પછી ચીપિયા નો ઉપયોગ કરીને મિક્સર બ્લેન્ડર માં મરચાં ઉમેરો.
(5) મિક્સર માં 2 ઇંચ આદુના ટુકડા, 2 ચમચી પાણી ઉમેરો અને મિક્સર ચલાવી ને બારીક પેસ્ટ બનાવો.
(6) પેનમાં 1/4 કપ તલનું તેલ/રિફાઇન્ડ તેલ ગરમ કરો.
(7)તેલ ગરમ થાય ત્યારે, લાલ મરચાંની પેસ્ટ ઉમેરો અને તેને એક કે બે મિનિટ માટે શેકો.
(8) મસાલા માં 1/2 ચમચી ભૂકો કરેલા કાળા મરી, 1 ચમચી ઓરેગાનો, 2 ચમચી લીલા ધાણાના દાંડા ઉમેરો અને 2 મિનિટ માટે શેકો.
(9) ચટણી માં 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, 1/2 કપ પાણી ઉમેરો અને ધીમા તાપે 15 મિનિટ સુધી ઢાંકીને રાંધો.
(10)ચટણીમાં 1/2 ચમચી સોયા સોસ, 2 ચમચી ટામેટા સોસ , સફરજનનો વિનેગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
(11)ગેસ બંધ કરો અને ચટણી ને ઠંડી થવા દો. શેઝવાન સોસ( ચટણી )પીરસવા માટે તૈયાર છે.