સોજીના ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને હળવો નાસ્તો છે.આ વાનગી એકદમ ઝડપથી બની જતો નાસ્તો છે. આ વાનગી પચવામાં હલકો ખોરાક છે અને તેમાં તેલનો ઉપયોગ ફક્ત ઢોકળા વધારવામાં જ થાય છે એટલે તળ્યા વગરનો ખોરાક કહી શકાય.આ વાનગી બાળકોને નાસ્તામાં, સવારના નાસ્તામાં ,સાંજે હળવી ભોગ હોય ત્યારે બનાવાય છે. આ વાનગીબનાવવામાં સોજી ,દહીં, ઈનો ,મીઠું વપરાય છે જે ઘરમાં સરળતાથી મળી જાય છે. આ વાનગી અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ૨૦ થી ૩૦ મિનિટમાં બની જતો ઘરનો નાસ્તો છે. સોજીમાં ફાઇબર હોય છે જે પાચન માટે ફાયદાકારક છે. સોજી કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોવાથી શરીરની ઊર્જા આપે છે. સોજીના ઢોકળામાં વપરાતું દહીં એક પ્રોટીનનો સ્ત્રોત છે. આ વાનગી માં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે માટે શરીર ઓછું કરવા વાળા માટે ઉત્તમ નાસ્તો છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. સોજીના ઢોકળા એ શાકાહારીઓ માટે સારો વિકલ્પ છે.આ વાનગી ને તમે અલગ અલગ વેરીએશનમાં પણ બનાવી શકાય છે જેમ કે સોજી અને દહીંના ખીરામાં મકાઈના દાણા ,વટાણા ,લીલા મરચા ,કોથમીર નાખી પણ બનાવી શકાય છે. માટે આ વાનગી એ એક પૌષ્ટિક ખોરાક છે તો સોજીના ઢોકળા ની રેસીપી હું શેર કરું છું.

સોજીના ઢોકળા તૈયાર કરવા માટે:

- પૂર્વ તૈયારી નો સમય:-પાંચ મિનિટ
- પાકવાનો સમય:-15 થી 20 મિનિટ
- કેટલી વ્યક્તિ માટે:-બે થી ત્રણ વ્યક્તિ
ઢોકળા બનાવવા વપરાતી સામગ્રી:-
(1) 1.5 કપ સોજી
(2)1 કપ દહીં
(3) એક ચમચી આદુ મરચાની પેસ્ટ
(4) સ્વાદ મુજબ મીઠું
(5)1 ચમચી ઈનો

આ વાનગી વઘાર કરવા માટે વપરાતી સામગ્રી:-

(1)2 ટેબલ સ્પૂન તેલ
(2) એક ચમચી રાઈ
(3) ચપટી હિંગ
(4) લીલા મરચા અને મીઠો લીમડો
(5) તલ
(6) કોથમીર
સોજીના ઢોકળા બનાવવાની રીત:-
સૌપ્રથમ એક વાસણમાં 1 1/2 કપ સોજી લો પછી તેમાં એક કપ ખાટું દહીં નાખી મિક્સ કરો. પછી મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ ખીરું તૈયાર કરો. હીરામાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને ખીરાને 10 મિનિટ માટે મૂકી દો.
ઢોકળા મુકવા માટે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં તેલ વાળી થાળી પણ મૂકી દો. ત્યારબાદ ખીરામાં એક ચમચી તેલ નાખી ખીરું બરાબર હલાવી મિક્સ કરો. ત્યારબાદ ખીરામાં એક ચમચી eno (રેગ્યુલાર ઈનો) નાખી બરાબર ખીરું ફેટી લેવું.
પછી થાળીમાં પાથરી દેવું ઉપરથી લાલ મરચું ભભરાવી દેવું. 15 મિનિટમાં સોજીના ઢોકળા તૈયાર થઈ જશે.
ઢોકળા વઘારવા માટે:-
ઢોકળા વઘારવા માટે એક વાસણમાં 2 ટેબલસ્પૂન તેલ લો. તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ,હિંગ ,લીલા મરચા, મીઠો લીમડો ,તલ નાખી વઘાર તૈયાર કરો. ઢોકળા ની થાળીમાં છરીની મદદથી કાપા પાડી તેના ઉપર વઘાર પાથરી અને ઉપરથી કોથમીર ભભરાવી દો. આ વાનગી કોથમીર ફુદીનાની લીલી ચટણી સાથે સર્વ કરો. ટેસ્ટી ટેસ્ટી સૂજીના ઢોકળા તૈયાર છે